Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 03:01 pm
ગુજરાત ભાજપના ધારાસભ્યોની આવતી કાલે મહત્વની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કેન્દ્રના બે નેતા બી.એલ. સંતોષ અને તરુણજી ચુગ આ બેઠકમાં ખાસ હાજરી આપશે. બેઠકમાં ધારાસભ્યોને શાળા પ્રવેશોત્સવની સાથે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને જે ધારાસભ્યોની કામગીરી નબળી છે તેમને વિકાસના કામો અને મતવિસ્તારમાં સતત સંપર્કમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી શકે છે. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન અંગે પણ ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવી શકે છે.ભાજપે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધીગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડીને પેજ પ્રમુખ સુધીના કાર્યકરોને કામે લગાડી દેવામાં આવ્યાં છે. જેમાં ભાજપના ધારાસભ્યોની પાંચ વર્ષની કામગીરી પણ મહત્વની હોવાથી આવતીકાલે મુખ્યમંત્રીના બંગલે મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ચૂંટણી અંગેની રણનીતિ અને વિકાસની કામગીરીને આગળ વધારવા માટેના પાઠ ભણાવવામાં આવશે. આ બેઠકમાં 23 જૂનથી શરૂ થઈ રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યોને પણ સંગઠન અને સરકાર દ્વારા સોંપવામાં આવેલા વિસ્તારમાં જઈને ગુજરાત અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને કામોનો પ્રચાર કરવા માટે પણ સૂચના આપવામા આવશે.23 જૂનથી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવરાજ્યના 18 હજાર ગામોની 32 હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં 17માં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના તમામ મંત્રીઓ,સાંસદો,ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ IAS-IPS-વરિષ્ઠ અધિકારીઓ વગેરે 23 જૂનથી 25 જૂન સુધી ત્રણ દિવસ શાળાઓની મુલાકાત લેશે અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આ ત્રણ દિવસો દરમિયાન તેઓ દરરોજ ત્રણ શાળાઓની મુલાકાત લેશે અને વાલીઓ,સમુદાયો અને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે. આ દરમિયાન, દર ત્રીજી શાળામાં ક્લસ્ટરના રૂપમાં દરરોજ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે અને 24 જૂને, બ્લોક હેડક્વાર્ટર ખાતે બ્લોક સ્તરની સમીક્ષા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના વડગામ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાથી કરશે.ભાજપે મધ્યઝોનના પ્રભારીઓની જાહેરાત કરીગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓમાં ઝડપથી આગળ વધી રહેલા ભાજપ દ્વારા હવે વિધાનસભા બેઠકોના પ્રભારીઓની નિયુક્તિ શરુ થઇ ગઇ છે. હાલ પ્રથમ તબક્કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ઉત્તર ઝોન અને મધ્યઝોનની વિધાનસભા સીટના પ્રભારીઓની જાહેરાત કરી છે. હવે આગામી દિવસોમાં અન્ય ક્ષેત્રના પ્રભારીઓની પણ જાહેરાત થશે અને તેમાં પક્ષના સિનિયર નેતાઓને જે તે બેઠક માટે એક ચૂંટણી ચિત્ર તૈયાર કરવા જણાવાશે. આ વર્ષના અંતમાં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આજે મધ્યઝોનમાં 42 પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણા જુના ચહેરાઓને મહત્વની બેઠક પર જવાબદારી સોંપાઈ છે. ભાજપે વધુ 42 પ્રભારીઓની જાહેરાત કરી છે.