Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 09:01 am
રાજ્યમાં કુપોષણને સંપૂર્ણ નાબૂદ કરી શકાય એ માટે સરકાર દ્વારા વિવિધ અભિયાનો તો હાથ ધરવામાં આવે છે, પરંતુ છેલ્લા એક મહિનાની વરવી સ્થિતિ જોઈએ તો રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જિલ્લામાં જ સૌથી વધુ કુપોષિત બાળકોનું પ્રમાણ નોંધાયું છે. સંતોષકારક સ્થિતિ રાજ્યમાં એ છે કે અત્યારસુધી કુપોષિત બાળકોની સૌથી વધારે સંખ્યા પછાત અને આદિવાસી વિસ્તારમાં જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 30 દિવસના આંકડા પ્રમાણે, આદિવાસી વિસ્તારમાં મધ્યમ અને સામાન્ય વજન ધરાવતાં બાળકો જન્મ્યાં છે. નોંધનીય છે કે 2.5 કિલોગ્રામ કરતાં ઓછું વજન ધરાવતા બાળકને કુપોષિત બાળક ગણવામાં આવે છે.આરોગ્ય વિભાગના આંકડા અનુસાર પહેલી 1થી 30 મે સુધીમાં રાજ્યમાં કુલ 5198 બાળકોનો જન્મ થયો હતો, જેમાં ચોંકવનારી બાબત એ છે કે કુલ બાળકોમાંથી 48.48% એટલે કે 2520 બાળકોનું ઓછું વજન હતું એટલે કે કુપોષિત હતા. જ્યારે 515 બાળકો (9.90%)નું વજન મધ્યમ હતું. તેમજ 2163 બાળકો (41.61%)નું વજન સામાન્ય હતું.શું કહ્યું આરોગ્યમંત્રીએ?આ અંગે દિવ્ય ભાસ્કરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કુપોષણને નાબૂદ કરવા માટેની નેમ સાથે ચાલી રહી છે, ત્યારે બાળ જન્મ-મૃત્યુદરમાં ઘટાડો થયો છે તેમજ માતાના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. હાલના તબક્કે ગુજરાતની અંદર 99.5 ટકા પ્રસૂતિ સરકારી પ્રસૂતિગૃહમાં થાય છે, બીજી તરફ જો કુપોષિત બાળકો જન્મે તો તેની સંભાળ લેવાનું કામ પણ સરકાર કરી રહી છે.વર્ષ 2001 બાદ સ્થિતિમાં સતત ઘટાડો થયો છે - આરોગ્યમંત્રીગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, જેઓ મહેસાણા જિલ્લાના વતની છે, તેમને પોતાના જ વિસ્તાર મહેસાણામાં કુપોષિત બાળકોની વધેલી સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે કે હાલના આંકડાની તુલનાએ જોઈએ તો વર્ષ 2001 બાદ કુપોષિત બાળકોની સંખ્યામાં સતત નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં કૃમિ, એનિમિયા, ભૂખ ના લાગતી હોય તેવાં બાળકોને પણ આંગણવાડી બહેનો ઘરે-ઘરે જઈ કૃમિનાશક દવા આપે છે. તેઓ એમ પણ કહે છે કે સમાજે જાગ્રત થવાની જરૂર છે અને એ દિશામાં પ્રયાસો થવા જોઈએ.બે દિવસ પછી વાત કરીશું - નીતિન પટેલ, પૂર્વ આરોગ્યમંત્રીમહેસાણા વિસ્તારના જ દિગગ્જ નેતા અને રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ સાથે મહેસાણામાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ હોવા અંગે જ્યારે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલે પોતે વ્યસ્ત હોવાથી બે દિવસ બાદ સમાચારલક્ષી વાત કરવાનું જણાવ્યું હતું.બજેટમાં સગર્ભા મહિલાઓ માટે રૂ. 811 કરોડની જોગવાઈરાજ્ય સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં રજૂ કરવામાં આવેલા બજેટની અંદર સગર્ભા મહિલાઓ માટે ખાસ રૂ. 811 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ અંતર્ગત સગર્ભા મહિલાઓને 1 કિલો તેલ, 2 કિલો ચણા અને 1 કિલો તુવેરદાળ 1000 દિવસ સુધી આપવાની સગવડ કરાઈ છે.હોસ્પિટલમાં 50 હજાર રૂપિયા સારવાર ખર્ચ માટે અપાય છેઆરોગ્ય વિભાગ કહે છે, કુપોષિત બાળકો માટે બાળ સંભારણગૃહની વ્યવસ્થા કરાઈ છે. દવાખાના તેમજ PHC અને CHCની અંદર જ કુપોષિત બાળકોને સારવાર મળી રહે એ માટેની વ્યવસ્થા કરાઈ છે. સરકાર બાળ સખા યોજના અંતર્ગત ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે રૂ. 50 હજારની સહાય આપે છે. તે સગર્ભા મહિલાને પણ પોષણક્ષમ ખોરાક માટે 5000 રૂપિયા સહાય પેટે આપે છે.