Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 11:01 am
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. બુધવારે 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં બુધવારની રાતે ભારે પવન ફૂંકાવાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. આજે સવારથી જ રાજકોટ અને ગોંડલ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં પણ હાલમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે.વહેલી સવારથી ગોંડલ, જસદણ અને ધોરાજીમાં ધીમી ધારે વરસાદહવામાન વિભાગની આગાહી મુજબ, ગઇકાલથી રાજકોટ જિલ્લામાં મેઘારાજાએ મંડાણ માંડ્યા છે. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ રાજકોટના જસદણ, ગોંડલ અને ધોરાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પર પાણી વહેતાં થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલે અસહ્ય બફારા વચ્ચે ધીમી ધારે મેઘરાજાના પગરણને કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ આજે સવારે વરસાદી ઝાપટું વરસી જતાં રસ્તાઓ ભીંજાયા હતા.ધોધમાર વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંકક પ્રસરીબુધવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ધરમપુર શહેર, આસુરા, બીલપુડી, બરુમાળ, બામટી બારોલિયાના ગામડામાં વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંકક પ્રસરી છે. ડાંગમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ, ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વઘઈ,આહવા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. સૌરાષ્ટ્ર્ના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.21 જિલ્લામાં વરસાદની ઘટરાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જોકે વરસાદનું જોર નરમ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે હજુ 70 ટકા વિસ્તારમાં વાવણી પણ બાકી છે. મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય કોઈ વધુ મહેર નથી થઈ. એને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે, કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વીતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. રાજ્યમાં હજુ સીઝનનો માંડ 4 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજી 21 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી.હાલમાં રાજ્યમાં બે જળાશય વોર્નિંગ પરકૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અંદાજિત 10,24,422 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20 જૂન 2022 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 6,89,472 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 11.78 ટકા વધુ વાવેતર થયું છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 1,49,972 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 44.89 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,88,241 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 33.72 ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશય વોર્નિંગ પર છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદને કારણે પાણીની સારી આવક થઇ છે.