Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am
ઈન્કમટેક્સ ઓફિસરે ગૂગલ પેથી ઈલેક્ટ્રિક સિટી બિલ ભરીને કંપનીમાં જાણ કરવા મેસેજમાં આવેલા નંબર ઉપર ફોન કર્યો હતો. જેમાં સામે વાળા ગઠિયાએ આઈટી ઓફિસરના બેંક એકાઉન્ટનું નેટ બેન્કિંગ ચાલુ કરી દઈને 3 ટ્રાન્ઝેક્શનથી રૂ.1.14 લાખ પડાવી લીધા હતા. રૂ.40 હજારના એક ટ્રાન્ઝેકશન બાદ બેંકમાં ફોન કરીને એકાઉન્ટ કલોઝ કરાવ્યું હોવા છતાં બીજા બે ટ્રાન્ઝેક્શનથી પૈસા ઉપડી ગયા હતા.ચાંદલોડિયા આઈસીબી સીટીમાં રહેતા નારાયણન નંબિયાર(57) ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ અમદાવાદ કેરલા સમાજના ખજાનચી પણ છે. 17 જૂનના સાંજે 6 વાગ્યે નારાયણનના ફોનમાં ટેક્સ મેસેજ આવ્યો હતો કે, ડિયર કસ્ટમર યોર ઈલેક્ટ્રિસિટી પાવર વીલ બી ડિસ્ક્નેક્ટેડ ટુ નાઈટ 9.30, બીકોઝ યોર પ્રિવિયસ મંથ બિલ નોટ અપડેટ, પ્લીઝ કોન્ટેકટ અવર ઓફિસ અને ત્યારબાદ એક નંબર લખ્યો હતો.જેથી અમદાવાદ કેરાલા સમાજની ઓફિસનું બિલ ભરવાનું બાકી હોવાની શંકા જતા તેમણે સમાજના સેક્રેટરી સી.વી.નારાયણનને ફોન કરીને પૂછતા તેમણે કહ્યું હતુ કે બિલ ભરવાનું બાકી છે. જેથી નારાયણને ગૂગલ પે થી રૂ.11,320 નું બીલ ભરી દીધું હતું, ત્યારબાદ બિલ ભરી દીધું હોવા અંગે કંપનીને જાણ કરવા માટે મેસેજમાં આવેલા નંબર ઉપર ફોન કર્યો હતો. જેથી સામાવાળા એ તેમને જણાવ્યું હતું કે તમે જે બિલ ભરેલ છે તેનું પેમેન્ટ અમને દેખાતંુ નથી, જેની રસીદ માટે તમારે રૂ.10 નું પેમેન્ટ કરવું પડશે. જેથી ફોન ચાલુ રાખીને નારાયણન 10 રૂપિયાનું પેમેન્ટ કરવા પ્રોસેસ શરૂ કરે તે પહેલા જ તેમના બેંક એકાઉન્ટનું નેટ બેંકિંગ ચાલુ થઇ ગયું અને તેમના ખાતામાંથી રૂ. 40 હજારનું ટ્રન્ઝેક્શન થઈ ગયંુ હતું.આ દરમિયાન નારાયણને ફોન કટ કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન કટ થયો ન હતો. તેમણે ફોન કરીને એકાઉન્ટ કલોઝ કરાવી દીધું. બીજા દિવસે તેઓ બેંકમાં ગયા ત્યારે ખબર પડી કે તેમના ખાતામાંથી 3 ટ્રાન્ઝેક્શનથી કુલ રૂ. 1.14 લાક ઉપડી ગયા હતા. આ અંગે તેમણે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.