Divya Bhaskar | 6 days ago | 07-08-2022 | 05:01 am
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ)નો શનિવારે 11મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડો. ડી. વાય. ચંદ્રચુડ વતી જસ્ટિસ એમ. આર. શાહે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરી હતી. ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર સહિત વરિષ્ઠ વકીલોએ પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી.દીક્ષાંત સંબોધનમાં જસ્ટિસ ડો. ડી. વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે, ‘અત્યારે દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધ્રુવીકરણનું વાતાવરણ ચાલી રહ્યું છે અને સમાજ જાણે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે.’ આ સાથે તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે, યુવાનોએ આવા દૂષિત વાતાવરણથી પ્રભાવિત થયા સિવાય પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી પોતાના ધ્યેય તરફ આગળ વધતાં રહેવું જોઈએ.વિદ્યાર્થીઓને સંબોધતાં હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારે જણાવ્યું હતું કે, ‘કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાથી જ વાસ્તવિક દુનિયાનો અનુભવ મેળવી શકાય છે. જીવનમાં પૈસા, પદવીઓ કે મેડલ મેળવવા જ પર્યાપ્ત નથી. પ્રત્યેક માણસે પ્રમાણિકતા, નમ્રતા અને માનવતાના ગુણ અવશ્ય કેળવવા જોઈએ.’ કુલ 247 વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ હતી.18 વર્ષમાં જ GNLU ટોચે પહોંચી: જસ્ટિસ M.R.શાહજસ્ટિસ એમ. આર. શાહે દેશના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ સ્વ. કિરીટ રાવલને યાદ કરતા કહ્યું કે, તેમણે ગુજરાતમાં વિશ્વકક્ષાની કાયદાની યુનિવર્સિટીનો વિચાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડ્યો અને તેમના પ્રયાસોથી 2004 જીએનએલયુની સ્થાપના થઈ. 18 વર્ષમાં જ જીએનએલયુ દેશની ટોચની રેન્કિંગ લો યુનિવર્સિટી બની ગઈ છે.