Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am
કાચા કામના કેદીને હોસ્પિટલમાંથી ભગાડવામાં મદદ કરનારા પીએસઆઇને પેન્શનની રકમ ઊપાડવા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. હાઇકોર્ટે પેન્શનની 75 ટકા રકમ ઉપાડવા મંજૂરી આપી છે. સરકારે પીએસઆઇને પેન્શનની 100 ટકા રકમ ઉપાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને હાઇકોર્ટમાં પડકારતા કોર્ટે 75 ટકા પેન્શન ઉપાડવા મંજૂરી આપી છે, પરંતુ 25 ટકા રકમ કાપી લેવા મંજૂરી આપી છે.પીએસઆઇ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, તેમણે વર્ષો સુધી પોલીસ વિભાગમાં સેવા આપી છે. તેમની નોકરી દરમિયાન તેમનો રેકોર્ડ ઘણો સારો છે. એક બનાવને આધારે તેનું પેન્શન રોકી શકાય નહીં. હોસ્પિટલમાંથી ભાગી ગયેલા કેદીની તબિયત સારી નહીં હોવાથી તેના ભાઇ સાથે સંપર્ક થયો હતો. આ કેસમાં અન્ય સહઆરોપીને માત્ર દંડાત્મક સજા કરીને મુક્ત કર્યો હતો. પેરિટીના આધારે અરજદારને પણ પેન્શનની રકમ મળવી જોઇએ.સરકાર તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, આણંદમાં ડબલ મર્ડર થયા હતા. આ કેસના આરોપી સામે ટ્રાયલ ચાલુ હોવાથી તે કાચા કામના કેદી તરીકે જેલમાં હતો. જેલમાં બીમાર પડતા તેને હોસ્પિટલ લઇ જવાનો હતો. જેલમાં લઇ જતી વખતે જેલના પીએસઆઇ સહિત કુલ 4 પોલીસ તેની સાથે હતા. હોસ્પિટલમાંથી તે ભાગી જતા પીએસઆઇની સંડોવણી પુરવાર થઇ છે. તેની સામે ખાતાકીય તપાસ કરાઇ હતી. ખાતાકીય તપાસ બાદ પેન્શન રોકી લેવામાં આવ્યું હતું.