Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 05:10 am
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગૂજરાત વિદ્યાપીઠને પાઠવેલી શો કોઝ નોટિસ સામે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. આ અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ગૂજરાત વિદ્યાપીઠમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવતી હોવાની રજૂઆતમાં યુજીસીએ 22 મુદ્દામાં વિદ્યાપીઠનો જવાબ લેવા શો કોઝ નોટિસ પાઠવી છે. વિદ્યાપીઠે શો કોઝ નોટિસ રદ કરવા અરજી કરતા હાઇકોર્ટે નોટિસ રદ કરવા ઇન્કાર કર્યો છે. કોર્ટે ટકોર કરી હતી કે વિદ્યાપીઠે યુજીસીની નોટિસનો જવાબ આપવો જોઇએ.યુજીસીએ એવી રજૂઆત કરી હતી કે, વિદ્યાપીઠ ગાંધીજીના સિદ્ધાંતોને જાળવતી હોવી જોઇએ. પરતું વિદ્યાપીઠ સિદ્ધાંતોની ઉપરવટ જઇને નિર્ણયો લેતી આવી છે. યુજીસી દ્વારા વિદ્યાપીઠને ડિમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. વિદ્યાપીઠે ટ્રસ્ટ તરીકે અલગથી નોંધણી કરાવવાની રહેશે. જેથી વિદ્યાપીઠને ટ્રસ્ટ અને ડિમ્ડ યુનિવર્સિટી એમ બે અલગ રાખવાના રહેશે.વિદ્યાપીઠના કર્મચારીઓએ યુજીસીમાં વિદ્યાપીઠના સત્તાધીશો દ્વારા ચાલતી ગેરરીતિ સામે ફરિયાદો કરી હતી. પ્રાથમિક તપાસમાં યુજીસીએ વિદ્યાપીઠ પાસે 22 પ્રશ્નોના જવાબ માગ્યા છે પણ વિદ્યાપીઠે નોટિસ હાઈકોર્ટમાં પડકારી છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, હાલના તબક્કે શો કોઝ નોટિસ રદ કરી શકાય નહીં કારણ કે નોટિસ રદ થાય તો ગેરરીતિ થઇ છે કે નહીં તેની તપાસના અધિકાર પર તરાપ લાગે.