Divya Bhaskar | 1 month ago | 01-12-2022 | 06:10 am
ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ દ્વારા સિક લીવ અને લીવ નોટ મુકીને કેસમાંથી મુદતો મેળવવા સામે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે નારાજગી વ્યકત કરી હતી. તેમણે એવી ટકોર કરી હતી કે કેસમાંથી મુદતો મેળવવા માટે વકીલો આ રજાઓનો દુરુપયોગ કરી રહ્યા છે. ખંડપીઠે એડવોકેટ 132 રુલ્સ હેઠળ એડવોકેટ માટે કેટલી સિક નોટ અને લીવ નોટ લેવી તેની મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેથી વકીલો તેને હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યા છે. ખંડપીઠે આ નિયમોનું પુન: મૂલ્યાકંન કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે પ્રસ્તુત કેસમાં લીવ નોટને ફગાવીને બીજે દિવસે કેસની સુનાવણી મુકરર કરી છે.હાઇકોર્ટમાં એક લેટર પેટન્ટ અપીલની સુનાવણી દરમ્યાન વકીલે સિક લીવ મુકતા સામા પક્ષના વકીલે ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ ફરિયાદ કરી હતી કે, અરજદારના વકીલને આ રીતે રજા લેવાની આદત છે, અગાઉ ઘણી વખત આ રીતે રજા લીધી છે. ફરિયાદને પગલે ચીફ જસ્ટિસે ટકોર કરી કે, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના નિયમો એડમિનિસ્ટ્રેશનને એક અઠવાડિયાથી વધુની રજા મંજૂર કરવાની સત્તા આપે છે. રજાની નોંધો અથવા દિવસો કે જેના પર રજા આપી શકાય તેના પર કોઈ પ્રતિબંધ ન હોવાને લીધે વકીલો દુરુપયોગ કરી રહ્યા છે.