Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 06:01 pm
અમદાવાદના ચાંદખેડામાં એક મહિલાએ પોતાનું ઘર લેવા માટે 18 લાખ રૂપિયા બચત કરી હતી. મહિલા પોતાના કામે બહાર ગઈ ત્યારે ઘરમાં તસ્કરો આવીને પૈસાની ચોરી કરી ગયા હતા, જે મામલે મહિલાએ ઘરમાં આવીને જોતા ધ્રાસ્કો લાગ્યો હતો. સમગ્ર મામલે મહિલાએ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.ઉછીના લીધેલા 2 લાખ સહિતના 18 લાખ ચોરાઈ ગયામોટેરાના નંદનવન સોસાયટીમાં રહેતા 52 વર્ષીય નીતાબેન શાહે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિ મુંબઇ રહે છે. મોટો દીકરો સૌરભ ચાંદખેડામાં જ રહે છે અને નાનો દીકરો તેમની સાથે રહે છે. નીતાબેને મકાન લેવા 6 લાખની બચત કરી હતી, તેમના દીકરા સૌરભની પણ 10 લાખની બચત હતી અને 2 લાખ ઉછીના લીધા હતા. આમ મકાન લેવા 18 લાખ રૂપિયા ભેગા કરીને ઘરની તિજોરીમાં મૂક્યા હતા.પાડોશીએ ફોન કરીને ઘર ખુલ્લું હોવાની જાણ કરીગઈકાલે તેઓ કામથી ગાંધીનગર ખાતે ગયા હતા, ત્યારે તેમના પડોશીએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને અંદર તિજોરી પણ ખુલ્લી છે તથા સામાન વેરવિખેર પડ્યો છે. જેથી નીતાબેન ઘરે પહોંચીને જોતા તિજોરીમાં ભેગી કરેલા 18 લાખ રૂપિયા ચોરી થઈ ગયા હતા.જે મામલે પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.