શું લાગે છે?: નેતાની યુવતી સાથેની ‘રસભરી’ ક્લિપ વાઇરલ, કાર્યકરોએ કહ્યું-ફેલાતી બંધ કરો તો જવાબ આપ્યો ચાલવા દ્યોને...અમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 06:10 am

શું લાગે છે?: નેતાની યુવતી સાથેની ‘રસભરી’ ક્લિપ વાઇરલ, કાર્યકરોએ કહ્યું-ફેલાતી બંધ કરો તો જવાબ આપ્યો ચાલવા દ્યોને...અમદાવાદકૉપી લિંકશેર

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાં-જોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...અલ્પેશ કથીરિયા અને તેના સાથીઓ જીતી જાય તો કેજરીવાલનું ભાગ્ય પણ ચમકી જાય, પણ અહીં તો સાચા અર્થમાં કેજરીવાલને ચમકાવવાની વાત છે. સુરતના વરાછા વિસ્તારમાં રોડ શૉ દરમિયાન સાંજ પડી ગઈ એટલે અરવિંદ કેજરીવાલનો ચહેરો દેખાતો નહોતો. શિયાળો છે એટલે અંધારું વહેલું થઈ જાય. વાહનમાં લાઈટ માટેની કોઈ વ્યવસ્થા નહોતી એટલે હવે શું કરવું તેના વિચારમાં સૌ પડી ગયા. રોડ શૉમાં આવેલા લોકોને કેજરીવાલ બરાબર દેખાય નહીં તો કોઈ મતલબ નહીં. તાત્કાલિક બીજું કંઈ થાય તેમ નહોતું એટલે અલ્પેશ કથિરીયાએ અને બીજા ઉમેદવારોએ પોતાના મોબાઇલ ફોનની ટોર્ચ ચાલુ કરી દીધી. એકથી વધારે ટોર્ચ ચાલુ કરીને લોકો અરવિંદ કેજરીવાલને બરાબર જોઈ શકે તેવી રીતે બધા ખડે પગે રહ્યા. નેતાઓ આવી રીતે જ ચમકે જો કાર્યકરો અને સાથી નેતાઓ ખડે પગે ઊભા રહી જાય... એવું કોઈક બોલ્યું પણ હતું.કાર્યકર્તાઓને ટાઢ લાગી ગઈ છે, ઉડાડવી કેવી રીતેનવેમ્બરમાં ગુજરાતમાં શિયાળો તો નામનો હોય. નાના ગામમાં લીલું વાવેતર હોય એટલે થોડીક ઠંડી હોય, પણ શહેરમાં તડકો નીકળે પછી કંઈ એવી ઠંડી ના હોય. તોય કાર્યકરોને ઠંડી ગરી ગઈ હોય એમ કાર્યાલય પર સાડા દસ વાગ્યા સુધી કોઈ ફરકતું નથી. માથે ચૂંટણી હોય અને કાર્યાલયમાં કાગડા ઉડતા હોય ત્યારે ચૂંટણીનો માહોલ આ વખતે કેટલો નિરસ છે એવું લાગે. સુરત ઉત્તર અને સુરત પશ્ચિમની કેટલીક બેઠકોમાં તો કાર્યકરોમાં બહુ આળસ દેખાઈ રહી છે. સંગઠન દ્વારા વારંવાર તાકિદ કરીને વહેલાસર પ્રચારમાં લાગી જવા સૂચનાઓ આપવામાં આવે છે, પણ કાર્યકરોની ઠંડી ઉડતી જ નથી. એક હોદ્દેદારે કહ્યું કે આટલો નિરસ માહોલ ક્યારેય જોવા મળ્યો નથી. સવારમાં જ લોકો આવી જાય અને ચાની ચૂસકીઓ સાથે થનગનાટ જોવા મળતો, પણ આ વખતે કોઈની ઠંડી ઊડતી જ નથી. એમણે બળાપો કાઢ્યો કે બહુ પ્રચારને કારણે કાર્યકરોને એમ જ લાગે છે કે પક્ષ તો આપમેળે જીતી જવાનો છે, ત્યારે આપણે નાહકની શું દોડાદોડી કરવી. હરિફ પક્ષોમાં સુસ્તી દેખાય છે એટલે કોઈને પડી નથી, પણ જવાબદારી હોય તે હોદ્દેદારો મુંઝાયા છે. એમ કંઈ બેઠા બેઠા ચૂંટણી જીતાતી નથી અને કાર્યકરોને દોડાદોડી કરીને માહોલ પેદા કરવો પડે, પણ હવે આમાં કરવું શું...એક નેતાને અત્યારથી જ સાત કરોડની ઓફર આવી ગઈ બોલોહમણાં ભાજપના એક નેતાએ કહેલું કે હું જ પેલા નેતાને ભાજપમાં લઈ આવેલો અને 13 કરોડ રૂપિયા આપેલા. રાજ્યસભા વખતે ધારાસભ્યોના ભાવ 20થી 25 કરોડે પહોંચ્યાની અફવાઓ ચાલેલી. હર્ષદ રિબડિયાએ કહ્યું કે મને તો 40 કરોડની ઓફર હતી. આ બધા વચ્ચે હવે નવું આવ્યું કે અત્યારથી જ સાત કરોડની ઓફરું થવા લાગી છે. ચોટીલા બેઠક પર ત્રિપાંખિયા જંગના ત્રીજી પક્ષ આમ આદમી પાર્ટીના ઉમેદવારે આક્ષેપ મૂકી દીધો કે ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. મારી પાસે તેના પુરાવા પણ છે એમ કરપડાએ કહ્યું. મૂળી તાલુકાના દાણાવાડા ગામે પ્રચાર દરમિયાન ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના એક નેતાએ સાત કરોડની ઓફર કરેલી. આક્ષેપો કરવા સહેલા છે એટલે લોકો પૂછવાના કે લાવો પુરાવો એટલે તેમણે પહેલેથી જ કહ્યું કે જો એવું કહેતા હોય કે ઓફર નહોતી કરી તો હું પુરાવાઓ આપવા તૈયાર છું. એમ પૈસા લઈને ચૂંટણી છોડવાનો નથી, પણ ચૂંટણી ન લડવા માટે તેમણે એક બીજી શરત મૂકી દીધીઃ મારી એક જ શરત છે, ગામડે ખેડૂતોને પાણી પહોંચાડી દો હું ક્યારેય ચૂંટણી નહીં લડું.ક્લિપ વાઇરલ થઈ છતાં નેતાજી તો બિનધાસ્ત થઈને ફરે છેજેતપુરમાં છેલ્લા બે માસથી એક રાજકીય આગેવાનની ઓડિયો ક્લિપ વાયરલ થયેલી છે. યુવતી સાથે બિભત્સ વાતોની આ ક્લિપ હજીય ફરી રહી છે અને લોકો લાંબો લાંબો વાર્તાલાપ લાળ ટપકાવીને જાણે સાંભળતા ધરાતા જ નથી. હોટલ પર અથવા વાડીએ મળવાની વાતો છે અને મોજમજાની વાતો પણ છે. જેતપુરના કયા નેતાના રંગીન મિજાજની આ ક્લિપ છે એ કંઈ અજાણ્યું રહ્યું નથી. તોય આ નેતા બિન્ધાસ્ત દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે. ભૂતકાળમાં પણ તેમની સામે આક્ષેપો થયેલા, પણ રાજકીય ઓથ હોવાથી તેઓ જાણે બેફિકર છે. કાર્યકરોએ કહ્યું કે હવે તો ચૂંટણી આવી ગઈ છે ત્યારે આ ક્લિપ ફરતી બંધ થાય એવું કાંય કરવું નથી? નેતાનો જવાબ એવો હોવાનું કહેવાય છે કે એમ બંધ કરવાથી કંઈ બંધ થાય એમ નથી. લોકો કંટાળી જશે એની મેળે. તેમને આક્ષેપોની બહુ પડી નથી, કેમ કે ભૂતકાળમાં સરકારી સાધનોનો ઉપયોગ કરવો, સરકારી માણસોને અંગત કામે લગાડવા એ બધી ટીકાથી તેમનું પેટનું પાણીય હલ્યું નથી.નેતા માટે મોંઘી ટોપી, પ્રજા માટે પ્લાસ્ટિકની ટોપીઆ વખતે ગુજરાતની ચૂંટણીમાં ટોપીઓ ખાસ ધ્યાન ખેંચે છે. એક જમાનામાં કૉંગ્રેસની ગાંધી ટોપી સૌ ગૌરવથી ધારણ કરતાં. પરંતુ તે પછી ફેશનમાંથી ટોપી નીકળી ગઈ. તે પછી પંચાયતોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સફેદ ટોપી અને તેના પર લખાણ સૌનું ધ્યાન ખેંચવા લાગી. દૂરથી જ લોકોને ખબર પડી જાય કે આપની ટોપી. એ પછી ભાજપ તરફથી આ વખતે નવી ડિઝાઇન સાથેની ભગવી ટોપી રજૂ થઈ છે. ઘણા મહિનાથી એ ટોપી તૈયાર થઈ ગઈ છે અને ભાજપના નેતાઓ જાહેર કાર્યક્રમમાં તે પહેરતા રહે છે. હવે ચૂંટણી પ્રચારમાં જથ્થાબંધ ટોપીઓની જરૂર પડે એટલે મોટા પાયે તેનો ઓર્ડર અપાયા છે. કાર્યકરોને હતું કે નેતાઓ પહેરે છે એવી જ ટોપીઓ આપણે પણ પહેરીને વટ પાડીશું. પણ હમણાં અમદાવાદમાં કાર્યકરોને આંચકો લાગ્યો. સૌને ટોપીઓ આપવામાં આવી ત્યારે જોયું તો સાવ સસ્તી પ્લાસ્ટિકની બનેલી, બાળકોને રમવા માટેની હોય એવી ટોપીઓ હતી. કેટલાકે તો ડૂચો કરીને ખિસ્સામાં નાખી દીધી. એક જણ તો બોલ્યો પણ કરો કે મોંઘી અને સારી ટોપી નેતાઓની, પણ કાર્યકરોને મામુલી પ્લાસ્ટિકની ટોપીઓ પહેરાવી દીધી.રેલીમાં જોડાવાની મજૂરીમાં પણ કટકી થઈ ગઈ બોલોસરકારી કામકાજમાં કટકી થયા વિના ચાલે નહીં. લોકો ટેવાઈ ગયા છે કે સરકારી પૈસા હોય તેમાંથી રાજકારણીઓ અને અધિકારીઓ વચ્ચે કટકી કરી જ જાય. પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાર્યકરોની બાઈક રેલીમાં એવું થયું કે પોતાના કાર્યકરો સાથેય કટકી થઈ ગઈ. યુવાનો બાઇકમાં જોડાય તે માટે પેટ્રોલ અને ચા-નાસ્તાના બહાને રૂપિયા અપાતા હોય છે. પૂર્વની એક બેઠકમાં બાઇક રેલીનું આયોજન થયું અને મોટા કાર્યકરોને જણાવાયું કે દરેકને 500 રૂપિયા પ્રમાણે ચૂકવણું કરીશું. યુવાનોમાં વાત ફેલાઈ કે પાંચસો પાંચસો મળવાના છે એટલે ઘણા બધા લોકો બાઈક લઈને આવી ગયા હતા. પણ પછી ચૂકવણી થઈ ત્યારે બસ્સો બસ્સો રૂપિયા જ આપ્યા. આના કારણે કેટલાક યુવાનો ભડક્યા અને સીધા મોટા નેતા પાસે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે 200 રૂપિયામાં રેલીમાં આવીએ તો અમને માથે પડે. નેતાએ કહ્યું કે આપણે 500 રૂપિયા આપ્યા છે. યુવાનોએ કહ્યું કે તો પછી 300 રૂપિયાની કટકી કાર્યકરે કરી નાખી. આ કાર્યકરે 500 જેટલા લોકોની ચૂકવણીમાં મોટી કટકી કરી નાખી અને કમાણી કરી નાખી. નેતાએ ફરિયાદ કરવા આવનારા લોકોને તો પૈસા આપી દીધા, પણ સમસમીને બેઠા છે કે ચૂંટણી પતે પછી પેલા કાર્યકર પાસેથી વસૂલી કરવાની છે.પ્રચાર કરવા નીકળ્યા છે કે ડરાવવા નીકળ્યા છે?વાહન રેલી નીકળે, બાઇક રેલી નીકળે, ખુલ્લી જીપમાં નેતાઓ અને ટેકેદારો ફરે એ બધું ચૂંટણી વખતે સામાન્ય લાગે. પણ ઘણી વાર રેલી નીકળે ત્યારે યુવાનો ચીચીયારીઓ પાડતા હોય છે તે કંઈ સારું લાગતું હોતું નથી. ઠીક છે, થોડી વાર ઉત્સાહમાં આવીને ખીખીયાટા કરે અને આગળ વધી જાય એટલે પછી મામલો વકરતો નથી. પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિપક્ષના નેતાએ કાર્યાલય ખોલ્યું છે તેની સામે રોજ એક તમાશો થાય છે. એક ઉમેદવારની દીકરો મોંઘી દાટ એસયુવીના સનરૂફને ખોલીને તેમાંથી બહાર ઊભો રહીને ખીખીયાટા કરતો નીકળે છે. તેની સાથે એવા જ બીજા તોફાની મવાલી જેવા કાર્યકરો ચીચીયારી કરતા હોય છે. પ્રચાર કરવા માટે નીકળો તોય આવું બરાબર ના કહેવાય, પણ આતો હરિફ ઉમેદવારોના કાર્યાલય પાસેથી રોજ પસાર થઈને નીકળે ત્યારે એવું લાગે છે કે જાણે ડરાવવા નીકળ્યા છે. આ બિહાર છે કે ગુજરાત... એવું અહીં બેઠેલા લોકો વિચારે છે, પણ મામલો વિફરે નહીં તે માટે સમસમીને રહી જાય છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER