ગ્રાઉન્ડ રિપોર્ટશું કહે છે ગોધરા, રાઉલજી કે પરિવર્તન?: 'સંડાસ નથી,લાઈટ નથી,ઘર નથી તો પણ વોટ તો...',કેમ હજી પણ સિગ્નલ ફળિયાએ અજાણ્યાને જોઈને ટોળું ભેગું થઈ જાય છે?અમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 06:10 am

ગ્રાઉન્ડ રિપોર્ટશું કહે છે ગોધરા, રાઉલજી કે પરિવર્તન?: 'સંડાસ નથી,લાઈટ નથી,ઘર નથી તો પણ વોટ તો...',કેમ હજી પણ સિગ્નલ ફળિયાએ અજાણ્યાને જોઈને ટોળું ભેગું થઈ જાય છે?અમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય અને ગોધરાની વાત ના થાય એવું તો બને જ નહીં. 2002માં ગુજરાતના રાજકારણમાં જે ઘટનાથી મોટો વળાંક આવ્યો, એનું શહેર એટલે ગોધરા. દિવ્ય ભાસ્કરની ટીમ એટલે જ પહોંચી ગોધરા. ત્યાંના રહેવાસીઓ, મતદારો, વેપારીવર્ગ શું કહે છે આવનારી ચૂંટણી વિશે એ જાણવા.. એક વાત તો નક્કી છે કે ગોધરાના મતદારો પોતાની ભીતરમાં એક મોટું સરપ્રાઈઝ ધરબાવીને બેઠા છે. જે આગામી ચૂંટણીનાં પરિણામોમાં જોવા મળશે. અહીંના મતદારો સાથે વાત કરતાં દિવ્ય ભાસ્કરને જાણવા મળ્યું કે અમુક લોકો તો ક્યારના મન મનાવીને બેઠા છે કે શું કરવાનું છે. જ્યારે અમુક મતદારો ખૂલીને બોલતા પણ ખચકાય છે અને અમુક મતદારોએ તો બોલવાની પણ ના પાડી દીધી. તો ચાલો... આપણે જાણીએ કે ગોધરાના લોકો શું કહે છે?ગોધરામાં મળેલા પહેલા માણસે કહ્યું, 'મોદીની ચઢતી જ ગોધરાથી થઈ...'ગોધરાના દાહોદ રોડ વિસ્તારમાં અમે 'I LOVE GODHRA' લખેલું એક લેન્ડમાર્ક જોયું. અહીં કૌતુકરૂપે રોકાયા તો ખબર પડી કે એક પ્રાઈવેટ ડેવલપરે આ બનાવ્યું છે. આ સ્થળે ગયા તો અમને મળ્યા જય સોની. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, "ગોધરાની સીટ ગુજરાતની ચૂંટણી માટે ખૂબ મહત્ત્વની છે અને નરેન્દ્રભાઈની ચઢતી પણ ગોધરાની સીટથી જ થઈ છે. તમે જોઈ લેજો આ વખતે પણ ગોધરાની સીટ ભાજપને જ મળશે." બાજુમાં ઊભેલા ઉત્સવભાઈએ પણ જય સોનીની વાતને આગળ ધપાવતાં કહ્યું, અહીં તો ભાજપ જ આવશે એ નક્કી છે.સિગ્નલ ફળિયામાં ટોળા વચ્ચે પણ શાંતિ ફેલાઈ ગઈ...ગોધરાની ચૂંટણીનું કવરેજ સિગ્નલ ફળિયાની મુલાકાત વિના અધૂરું જ કહેવાય. અમે અહીં પહોંચ્યા અને સિગ્નલ ફળિયાને દેખાડી રહ્યા હતા તો જોતજોતાંમાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. અમે જાણે દિવ્ય ભાસ્કરમાંથી નહીં, પણ મંગળ ગ્રહ પરથી આવ્યા હોઈએ એવી શંકાની નજરે જોવા લાગ્યા. અલબત્ત, અમે તેમના મનની વાત જાણવા તેમની પાસે માઈક લઈને ગયા તો જોતજોતાંમાં બધા ચાલતી પકડવા લાગ્યા. અરે.. એક વડીલની પાસે તો અમે ગયા અને એવું પણ કહ્યું કે આપણે કોઈ ચૂંટણીની વાત કરવી નથી.. તોપણ તેમણે કશું કહેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો.'નામ મારું સિદ્દીકભાઈ.. વોટ? ભાજપને..'અહીંથી થોડેક આગળ વધતાં શાકભાજીની લારી પર એક વડીલ મુઘલ સલ્તનતના શહેનશાહના ઠાઠથી બિરાજેલા હતા. આમની પાસે ગયા અને પૂછ્યું કે વડીલ, તમે ચૂંટણીમાં વોટ આપો છો? તો બિચારા તેમના આરામ ફરમાવવાના રંગમાં ભંગ પડ્યો હોય તેએ સફાળા ઊભા થઈ ગયા અને ચાલતી પકડવા લાગ્યા. માંડ-માંડ તેમને ઊભા રાખીને પૂછ્યું તો કહે, "મારું નામ સિદ્દીકભાઈ. હું દર વખતે વોટ આપું છું ને આ વખતે પણ વોટ આપવાનો.." કોને વોટ આપશો એવું પૂછ્યું તો હસતાં ચહેરે "બીજેપીને વોટ આપવાનો.." બસ આટલું કહીને જતા જ રહ્યા. નજીકમાં ઊભેલા અન્ય એક આધેડે તો મારે કાંઈ બોલવું જ નથી.. એવું કહીને જતા જ રહ્યા.આ વખતે તો પરિવર્તન માટે જ વોટ આપવાનો છેઅમે પહોંચ્યા ગોધરાના સૌથી જૂના ગણાતા જહુરપુરા માર્કેટમાં, જ્યાં અમને એક સ્કૂટર પર બેઠેલા મહિલા જોવા મળ્યાં. અહીં શાક ખરીદવા જ આવેલાં આ મહિલાએ દિવ્ય ભાસ્કર સાથે પેટ છૂટી વાત કરી. તેમણે કહ્યું, "આ વખતે તો અમે પરિવર્તન માટે જ વોટ આપવાના છીએ. પરિવર્તન એટલે અમને સ્વચ્છતા મળે, બાળકોને સારું શિક્ષણ મળે, ગરીબો સર્વાઈવ કરી શકે. અત્યારે ગોધરાના પટેલવાડા સહિતના વિસ્તારો, સબ્જીમંડી વગેરે એરિયા જોઈ લો.. અહીં તો સ્વચ્છતા જ નથી. સ્વચ્છતામાં પણ વિસ્તાર તો જોવાનો ના હોય ને.."'..તો માની લેવાનું કે પબ્લિકને આવી ગરીબીમાં જ રહેવું છે'પરિવર્તન એટલે શું? આવો પ્રશ્ન દિવ્ય ભાસ્કરે એ મહિલાને કર્યો તો તેમણે રસપ્રદ વાત જણાવી. તેમણે કહ્યું, અત્યારે દિલ્હીમાં કેટલું સારું છે એવું ગુજરાતમાં થવું જોઈએ. દિલ્હીમાં જે રીતે નાગરિકોને સ્વાસ્થ્ય, વીજળી, પાણીની સુવિધા મળી છે એવી સુવિધા આપણને મળવી જોઈએ. આપણી સરકારે તેમની પાસેથી શીખ લેવી જોઈએ અને તેના જેવું કામ કરવું જોઈએ. જો નહીં કામ કરે તો પબ્લિક સરકારને બદલી નાખશે અને જો પબ્લિક ના બદલે તો સમજી જવાનું કે અહીંની પબ્લિકને પણ આવી ગરીબીમાં જ રહેવું છે. પબ્લિક જ પરિવર્તન નહીં લાવે તો પછી તેને આવું જ ગમે છે એમ માની લેવાનું.હોશે-હોશે રિક્ષાચાલકે બોલાવી કહી આ વાત..જોકે નજીકમાં જ ફાટક પાસે અમે ગયા તો ત્યાં એક રિક્ષામાં બેઠેલા ભાઈ અમને ઈશારો કરીને બોલાવતા હતા. અમે તેમની પાસે ગયા તો તેઓ પોતાનો ઉત્સાહ રોકી ન શક્યા. ગોધરા પાસેના જ કંકુથાંબલા ગામે રહેતા કનુભાઈ ગઢવીએ દિલ ખોલીને અમારી સાથે વાત કરી હતી. "સાહેબ, અમે તો ભાજપને જ મત આપવાના છીએ. મોદીસાહેબ ભગવાનના માણસ છે અને તેમણે અમારા ગામ માટે પણ બહુ કામ કર્યું છે. મોદીસાહેબ છે એટલે અમને વાંધો નથી.. સીકે રાઉલજી પણ અમારા માટે મોદીસાહેબ જેવા જ છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય, બધાના કામ થાય છે. ગામડામાં જ રોજગાર ઉપલબ્ધ છે," એમ કનુભાઈએ કહ્યું હતું.ભાજપના વિકાસની ભીતરમાં બિટવીન ધ લાઈન્સ 'શાંતિ'ગોધરાકાંડે આ શહેરના લોકોમાં અને તેમની વિચારસરણીમાં પણ મોટું પરિવર્તન લાવી દીધું છે. કદાચ ગોધરાકાંડ પહેલાં આ શહેરમાં જે કાયમની પરિસ્થિતિ હતી અને પછી છેલ્લા 2 દાયકાથી જે સ્થિતિ છે એનું આમાં યોગદાન હશે, એટલે જ તો અમને કનુભાઈની માફક જ શાકભાજી વેચતાં ગુંજાબેન, દીપકભાઈ, ચપ્પલની લારી લઈને બેઠેલા રસિકભાઈ, દુકાનદાર ધર્મેન્દ્રભાઈએ ભાજપને જ મત આપવાની દિલ ખોલીને વાત કરી. આ બધા વિકાસ માટે ભાજપને મત આપવાની વાત કરતાં હતાં, પરંતુ વિકાસ એટલે શું એ સ્પષ્ટપણે કહી શકતાં નહોતાં. આમ છતાં આ બધાનો ઈશારો કે અંતર્ભાવ તો એક એવી બાબત પ્રત્યે હતો કે જે તેમના કહ્યા વિના જ જણાઈ આવતા હતા. આ બાબત કળવાનો અમે પણ ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ જવાબમાં મળી "એક ભેદી શાંતિ.."સી.કે. રાઉલજી તો અમારી કોમર્સ કોલેજના સ્ટુડન્ટ છે!ગોધરાના એસટી બસ સ્ટેન્ડે અમે મજેથી ચાની ચુસ્કી ભરી રહેલા એક વડીલને પૂછ્યું કે સાહેબ.. શું લાગે છે આ ચૂંટણીમાં? પોતાનું નામ પ્રભાતસિંહ બારિયા જણાવતાં આ વડીલે કહ્યું, "મારું ગામ મોરવાહડફ, પણ અહીં ગોધરા જ રહું છું. વોટ પણ અહીં જ આપવાનો. સીકે રાઉલજીનું કામ સારું છે." હવે અમે તેમને પૂછ્યું કે તમને યાદ છે કે ગોધરા માટે તેમણે કયું કામ કર્યું તે તમને યાદ છે? તો એ વડીલ પણ વિચાર કરવા લાગ્યા અને કહ્યું, "એવું તો યાદ નથી, પણ તેમણે સારું કર્યું છે એટલી ખબર." આ તો પછી વાત-વાતમાં બારિયાજી બોલી ગયા કે તેઓ સિટીની કોમર્સ કોલેજના સ્ટાફમાં છે અને રાઉલજી પણ તેમની કોલેજના જ સ્ટુડન્ટ છે.'મોદીસાહેબ જ મહત્ત્વના, પછી ઉમેદવાર ગમે તે હોય'ચેતનકુમાર સામનાણી નામના એક સ્થાનિક વેપારીએ પહેલાં તો અમારી સાથે વાત કરવાનો પણ ઈનકાર કરી દીધો. જોકે પછીથી વાત કરી અને કહ્યું કે "અમારે તો અહીં ભાજપ જ જોઈએ, ભાજપ સિવાય બીજું કશું ના જોઈએ. ભાજપે અમને સૌથી મોટી વસ્તુ તો શાંતિ આપી છે. પહેલા ગોધરામાં અમારે ખૂબ ધમાલ રહેતી હતી અને ભાજપે અમને શાંતિ તથા સુરક્ષા આપી છે. સ્થાનિક ઉમેદવાર નહીં, અમારા માટે મોદીસાહેબ મહત્ત્વના છે. ઉમેદવાર ગમેતે હોય, અમે તો ભાજપને જ વોટ આપીએ છીએ અને ભાજપને જ આપીશું." જોકે ચેતનભાઈની એક વાત અને તેમનો એક શબ્દ ભાજપના કમિટેડ વોટર્સના મુદ્દે ઘણુંબધું કહી જાય છે અને એ શબ્દ છે શાંતિ..સંડાસ નથી, લાઈટ નથી, ઘર નથી તોપણ વોટ ભાજપને જ!આમ તો અમે ગોધરા બેઠકના જ કવરેજ માટે ગયા હતા અને ગોધરાની જ વાત કરવાની હતી, પરંતુ અમને ગોધરા એસટી સ્ટેન્ડ બહાર એક બાંકડે નિરાંતે બેઠેલાં સવિતાબેન મળી ગયાં હતાં. સવિતાબેન હતાં ગોધરામાં પણ મૂળ લુણાવાડાનાં અને ખચકાટ સાથે તેમણે અમને કહ્યું, વોટ તો અમે ભાજપને જ આપવાના, કારણ કે મોદીસાહેબ અમારા માટે બાપ સમાન છે. ભાજપે તમારા માટે શું સુવિધા કરી છે? આવો પ્રશ્ન કરતાં જ સવિતાબેનના અવાજમાં જાણે રણકો આવી ગયો હતો. તેમણે કહ્યું, અમારા માટે કોઈએ કશું નથી કર્યું. અમારા માટે સંડાસ નથી, રહેવા ઘર નથી, વીજળી નથી.. અમને કશું નથી આપ્યું સરકારે. અમારા બચ્ચા લાઈટ વિના અંધારામાં પડી રહે છે. અમારા ધારાસભ્યની ખબર નથી, પણ વોટ તો ભાજપને જ આપવાનો...આ મતદારોના ભરોસે રાઉલજીનો 21 હજારની લીડથી જીતનો દાવોગોધરાના જે મતદારો ખુલ્લામાં રહે છે કે અમે તો ભાજપના જ છીએ તેમના ભરોસે પક્ષના ઉમેદવાર સીકે રાઉલજી પણ ઉત્સાહમાં છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રાઉલજીએ કહ્યું હતું કે ગોધરામાં ગત ચૂંટણીમાં 18 હજાર મત લઈ ગયેલા અપક્ષ ઉમેદવાર જસવંતસિંહે અમને ટેકો જાહેર કર્યો છે. બીજી તરફ, ગોધરાની જનતાએ પોતાનો વિકાસ થતો જોયો છે અને આથી જ તેઓ ભાજપની પડખે છે, એટલે જ તો હું કહું છું કે 21 હજારથી વધુ મતે અમે જીતીશું, પણ હકીકતમાં તો તમે જો જો કે એનાથી પણ વધુ મતે અમે જીતીશું. અમારું સંગઠન અને અમારા કાર્યકરો જ અમારા જીત માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. અમારા ગોધરા માટે વર્ષો જૂનો એલસી-4 પ્રોજેક્ટ અમે સાકાર કરવા જઈ રહ્યા છીએ. શહેરા-ભાગોળ ફાટક અને આગળ ઉત્તરની સોસાયટીઓનો ઘણો વર્ષો જૂનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે.કોંગ્રેસના રશ્મિતા ચૌહાણને 8 મુદ્દાના જોરે જંગી જીતનો વિશ્વાસગોધરામાં કોંગ્રેસના પરંપરાગત વોટરનો બેઝ આ વખતે અડગ રહેશે અને પાર્ટીના 8 મુદ્દાના કાર્યક્રમના સહારે પાર્ટીના ઉમેદવાર રશ્મિતાબેન ચૌહાણે જંગી જીતનો વિશ્વાસ દર્શાવ્યો છે. ગત ચૂંટણીમાં શહેરા બેઠક પર જેઠા ભરવાડને ફાઈટ આપીને હારી ગયેલા દુષ્યંતસિંહ ચૌહાણનાં પત્ની રશ્મિતાબેને દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સમાજના બધા વર્ગોને સાથે લઈને ચાલે છે અને ગોધરાના તમામ સમુદાયના લોકો અમને સપોર્ટ કરશે. આ તમામ મતદારો હવે પરિવર્તન ઈચ્છે છે અને આ પરિવર્તનની ખેવના તથા પ્રજાનો સમસ્યા નહીં ઉકેલાવાનો આક્રોશ જ અમને 20 હજારથી વધુ મતે જિતાડશે એવો અમને વિશ્વાસ છે.ઉતાવળે જતા ઉદેસિંહ બોલ્યા, 'શહેરામાં જેઠાભાઈ બદલાશે'એસટી સ્ટેન્ડમાં જ અત્યંત ઉતાવળે જતા અમને ઉદેસિંહ મળી ગયા, જેમને અમે ખાસ ઊભા રાખ્યા, જેઓ શહેરામાં રહેતા હતા. શહેરા વિશે બે વાત પૂછી લેતાં ઉદેસિંહે કહ્યું, "આ વખતે તો જેઠાભાઈ બદલાશે અને પરિવર્તન આવશે એવું લાગે છે. લોકો કહે છે કે જેઠાભાઈ જવા જોઈએ." વળી, પાછા બોલ્યા, જેઠાભાઈ જીતી જાય એવું લાગે છે... પોતાના વિસ્તારમાં સુવિધાઓના નામે મીંડુ હોવાનું જણાવતાં ઉદેસિંહે કહ્યું કે અમારે ખાલી લાઈટ આવી છે. અમારા વિસ્તારમાં પાણીની ખૂબ તકલીફ છે. રોડ પણ RCCના છે અને શિક્ષણ પણ ઓછું છે. જે ભણે છે તેમને કોઈ નોકરીના ઠેકાણા નથી. આખા વિસ્તારમાં બધે બેકારી જ છે અને એટલે જ પરિવર્તન આવે એવું લાગે છે.અબ્દુલભાઈની શાણી વાત, મોંઘવારી જ પરિવર્તન લાવી દેશેમાર્કેટમાં અમે એક કેળાની લારી જોઈને ત્યાં જઈને પૂછ્યું તો વેપારીએ પોતાનું નામ અબ્દુલભાઈ જણાવ્યું. તેમણે કહ્યું, "અત્યારે જે ઉમેદવાર મોંઘવારી દૂર કરવાની વાત કરે અને સમાજને તોડે નહીં પણ જોડે એવી વ્યક્તિને મત આપીશું. અમારે અહીં ગોધરામાં ખૂબ સમસ્યા છે અને રોજગારના કોઈ ઠેકાણા નથી. મોંઘવારીએ દરેક જણની કમ્મર તોડી નાખી છે અને પબ્લિક પરિવર્તન ઈચ્છે છે એ નક્કી છે." મુસ્લિમ મતદારોમાં અપક્ષ ઉમેદવારોને લીધે વિભાજન થશે કે કેમ એવો સીધો પ્રશ્ન કરાતાં અબ્દુલભાઈએ કહ્યું કે, મત તૂટે એટલે બહુ મોટી અસર થઈ છે. જે કેન્ડિડેટ જીતવાનો નથી તે મત તોડવા માટે જ હોય છે, પરંતુ દરેકની સોચ અલગ-અલગ હોય છે અને પોતાની રીતે મતદાન કરે છે.'GIDCને ફરી બેઠી કરો તો ગોધરાના લોકોને રોજગાર મળે'ગોધરામાં છેલ્લા એક દાયકામાં વિકાસનું શું કામ થયું છે એવું પૂછતાં અબ્દુલભાઈએ કહ્યું, ભાઈ વિકાસ તો ધીરે-ધીરે થાય છે અને લોકો પણ પોતાના પ્રશ્નો સરકાર સામે મૂકે છે. અહીં અમારે યુનિવર્સિટી આવી, મેડિકલ કોલેજ આવી તો શિક્ષણનો સ્તર સુધરશે. અલબત્ત, ગોધરાનો વિકાસ કરવો હોય તો પહેલા GIDC જે મૃતપ્રાય અવસ્થામાં છે એને બેઠી કરવી જોઈએ. આ થશે તો લોકોને પોતાના ગામમાં જ રોજગારી મળી રહેશે. અહીં તો રોજગાર ન મળવાને કારણે લોકો પંચમહાલ છોડીને બીજે ગયા છે, પરંતુ અહીં જ રોજગારી મળી રહે તો ઘણું સારું થાય.'ગોધરાનું નામ પડતાં જ ઉદ્યોગપતિઓ ભાગી જાય છે'આ વાત ચાલતી હતી ત્યાં જ અમને દિનેશ દંતાણી મળી ગયા. મેઈન માર્કેટની દયનીય હાલત વિશે જણાવતાં દિનેશભાઈએ કહ્યું, "અમારા ગોધરામાં જે સારું પરિવર્તન લાવે તેવા જ ઉમેદવાર જીતવા જોઈએ. અહીં આટલાં વર્ષો થઈ ગયાં, પણ કોઈ ઉદ્યોગો આવ્યા જ નથી. અહીં કોઈ મોટા ઉદ્યોગપતિ આવ્યા નથી અને અમારું ડેવલપ થતું જ નથી. આટલા નેતાઓ આવ્યા અને જીત્યા પણ કોઈ નેતા ગોધરામાં કોઈ ઉદ્યોગ લાવ્યા જ નથી. અહીં બેરોજગારી અને મોંઘવારી દૂર થવી જોઈએ. GIDC સંપૂર્ણપણે બંધ છે અને માર્કેટની સ્થિતિ જુઓ. ઉદ્યોગો આવશે તો બેરોજગારી ઘટશે તો કામધંધો વધશે અને લોકોની પાસે જ પૈસા આવશે. કોઈને કામધંધો મળશે અને લોકોને સારા પગારો ઉદ્યોગમાં જ મળશે. આનાથી બધાનું ભલું થશે."રાઉલજી કોંગ્રેસમાં હતા એટલે સાહેબ ગ્રાન્ટ મોકલતા નહોતાઆ વાત ચાલતી હતી ત્યાં જ રમેશભાઈ નામના આધેડ અમને મળી ગયા. માર્કેટની પોલિટિક્સની પંચાતમાં તેમણે પણ ઝુકાવતાં કહ્યું, "અમારે ગોધરામાં પરિવર્તન જોઈએ છે અને એ તો બધાને જોઈએ છે. જે પણ જીતીને આવે તેણે વિકાસ કરવો જોઈએ, કારણ કે અમારે અત્યારે પાણી-રોડ-ટ્રાફિકની કેટલી બધી સમસ્યાઓ છે." રાઉલજી વિશે અમે વાત કરી રહ્યા હતા ત્યાં જ એકાએક અન્ય રાહદારીએ ઝુકાવ્યું અને કહ્યું, રાઉલજી અમારા ગોધરાના લોકો માટે જ ભાજપમાં ગયા છે, કારણ કે તે કોંગ્રેસમાં હતા તો મોદીસાહેબ ગ્રાન્ટ મોકલતા નહોતા. હવે રાઉલજી ભાજપમાં છે એટલે ફુલ ગ્રાન્ટ આવશે.. હવે જુઓ પચીસ વર્ષમાં જેટલું કામ નથી થયું એટલું પાંચ વર્ષમાં થશે.'અમારા માટે હિન્દુત્વ મહત્ત્વનું, એટલે વોટ ભાજપને'"અમારે અત્યારે પચીસ વર્ષ થઈ ગયાં મોદીસાહેબનું ગોધરામાં રાજ આવ્યે.. અમારે અહીં મોદીસાહેબ આવ્યા એટલે બરાબરની શાંતિ થઈ ગઈ. અમે તો ભાજપને જ વોટ આપવાના, કારણ કે અમારા માટે હિન્દુત્વ મહત્ત્વનું છે. બાકી મોદીસાહેબ નહોતા એ વખતે તો દર મહિને અમારે ધમાલ.. દોડાદાડી થાય, મારકાપ થઈ જતી હતી. પણ હવે તો અમારે બિલકુલ શાંતિ છે. વિકાસની વાત કરીએ તો પહેલાં ધમાલો એટલી બધી થતી હતી કે બધી ફેક્ટરીઓ હાલોલ-કાલોલમાં જતી રહી. ભલે જે થયું એ, ઉદ્યોગો આવે તો ઠીક, GIDC બંધ પડે તો પણ ઠીક.. અમારે તો શાંતિ જોઈએ અને શાંતિ જ છે," આ વાત અમને શાકમાર્કેટમાં નિરાંતે ડુંગળી-બટાટા-લસણના થડા પર બેઠેલા રાજુભાઈએ કરી હતી.અહેમદભાઈ બોલ્યા, ગોધરામાં વિકાસના બે ફાંટા પડી ગયાઅલબત્ત, ગોધરાના જૂનામાં જૂના પોલન બજારના કેસરીચોકમાં અમને અહેમદભાઈ મળી ગયા. તેમણે કહ્યું હતું કે ગોધરામાં વિકાસના બે ફાંટા પડી ગયા છે. અમારા વિસ્તારો, જેવા કે સિગ્નલ ફળિયા ગરનાળું, મઝાર રોડ સહિતના વિસ્તારોમાં કેમ રોડ ખરાબ રહી જાય છે. અમારા વિસ્તારોમાં તો કચરાના ઢગલા જતા જ નથી. અમે તો ભાઈચારા અને શાંતિથી જ રહેવા માગીએ છીએ અને અમારા વિસ્તારોમાં તો લાઈટોના પણ પ્રોબ્લેમ છે. ગંદકી તો આખા ગોધરાની મોટી સમસ્યા છે અને હવે કામ નહીં કરે તેને લોકો વોટ નહીં આપીએ. નજીકમાં જ ઊભેલા ખાલીદભાઈએ કહ્યું, આ વખતે ગોધરામાં ચારપાંખિયો જંગ થવાનો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પણ છે. અલબત્ત, મુસ્લિમ મતોનું વિભાજન થશે તો નુકસાન કોંગ્રેસને થશે.'આ કચરો જુઓ.. અહીં કોઈ પાલિકાવાળું આવતું જ નથી'ગોધરામાં એક ફાટક છે, જે દરેક ગોધરાવાસી માટે માથાના દુખાવા સમાન છે. આ ફાટક છે શહેરાભાગોળનો, જે દિવસમાં 100થી વધુ વખત બંધ થાય છે અને આ કારણે ટ્રાફિકજામ થઈ જાય છે. ટ્રકોની લાઈનો લાગતી હોવાથી અહીં કલાકો સુધીનો જામ થઈ જાય છે અને લોકો અટવાય છે. આ શહેરાભાગોળ ફાટકની બીજી એક ખાસિયત છે તેની બંને બાજુ સાઈડમાં ખડકાયેલા કચરાના મોટા ઢગલા. આ ઢગલા વિશે વાત કરવા અમે લીલાબેન નામના એક દુકાનદાર પાસે ગયા. લીલાબેને પહેલાં તો કાંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો, પરંતુ ગોધરામાં વિકાસ અને સ્વચ્છતાનો પ્રશ્ન કર્યો તો તે બોલ્યા.. ક્યાં છે સ્વચ્છતા.. તમને દેખાય છે? આ કચરાના ઢગલા જુઓ 20 ફૂટ દૂર.. આમાં કઈ રીતે અહીં બેસવું અને કામ કરવું.. પાલિકામાં કહીએ તોપણ કોઈ આવતું નથી.ઈનપુટઃ રાજુ સોલંકી, ગોધરા

Google Follow Image